કેન્સર એ બીમારીઓનું મોટું જૂથ છે.તમામ પ્રકારના કેન્સરમાં, શરીરના કેટલાક કોષો અનિયંત્રિત રીતે વિભાજીત થાય છે અને આસપાસની પેશીઓમાં ફેલાય છે.
કેન્સર માનવ શરીરમાં કોઈ પણ ભાગમાં શરૂ થઈ શકે છે, જે કરોડો કોશિકાઓથી બનેલું છે. સામાન્ય રીતે, માનવ કોષો શરીરને જરુરુયાત હોય તેમ નવા કોષો બનાવવા વિકાસ પામે અને વિભાજિત થાય છે. જ્યારે કોષો વૃદ્ધ થાય છે અથવા ક્ષતિગ્રસ્ત થાય છે, ત્યારે તેઓ મરી જાય છે, અને નવા કોષો તેમનું સ્થાન લે છે.


જયારે આ વ્યવસ્થિત પ્રક્રિયામાં વિક્ષેપ આવે છે,ત્યારે કેન્સર વિકાસે છે. જો કોષો વધુને વધુ અસામાન્ય બને તો, વૃદ્ધ અથવા ક્ષતિગ્રસ્ત કોષો મૃત્યુ પામવાને બદલે જીવતા રહે છે, અને જ્યારે નવા કોષોની જરૂરિયાત ના હોય ત્યારે નવા કોષો રચાય છે.આ વધારાના કોષો અનિયંત્રિત રીતે વૃદ્ધિ પામી ગાંઠની રચના કરી શકે છે.
ઘણા કેન્સરમાં પેશીઓના સમૂહ(ગાંઠ) ની રચના થાય છે, જયારે રક્તના કેન્સર, જેમ કે લ્યુકેમિયામાં, સામાન્ય રીતે ગાંઠ બનતી નથી.
કૅન્સરની ગાંઠ બે પ્રકારની હોય છે :
૧. મેલિગનન્ટ ગાંઠ : આને કેન્સરની ગાંઠ પણ કહેવામાં આવે છે. તેના કોષો અનિયંત્રિત વૃદ્ધિ કરતા હોવાથી તે ઝડપથી મોટી થાય છે અને આસપાસની પેશીઓ ઉપરાંત રક્ત અને લસિકાતંત્ર દ્વારા શરીરના અન્ય ભાગોમાં પ્રસરવા લાગે છે.
૨. બિનાઇન ગાંઠ : આવી ગાંઠ કૅન્સરના ચિહ્નો ધરાવતી નથી. આ ગાંઠ મેલિગનન્ટ ગાંઠની માફક શરીરના અન્ય ભાગોમાં પ્રસરતી નથી. તેને શસ્ત્રક્રિયા દ્વારા સંપૂર્ણ રીતે દૂર કરી શકાય છે. સામાન્ય રીતે તે સ્વાસ્થ્ય માટે ખાસ કોઈ ગંભીર જોખમ પેદા કરતી નથી.

કૅન્સરને કઈ રીતે પકડી શકાય?
કૅન્સરના નિદાન માટે કોઈ એક કે સરળ પદ્ધતિ નથી. કૅન્સરનું નિદાન થઇ શકે તે તબ્બકે પહોંચવા માટે કૅન્સરના જીવલેણ કોષોને ઘણા મહિનાઓ અથવા વર્ષોનો સમય લાગે છે.
કેન્સરનાં લક્ષણો તેના સ્થાન પર આધારીત છે અને કોઈપણ લક્ષણો પેદા કરવાનું શરૂ કરે તે પહેલાં જ કેન્સર ફેલાઈ જાય તે પણ શક્ય છે. કેટલીકવાર કેન્સર એ આકસ્મિક રીતે નિયમિત તપાસ દરમિયાન અથવા અન્ય લક્ષણોની તપાસ દરમિયાન શોધી શકાય છે.
સૌથી સરળ રીતે શોધી શકાય તેવા કેન્સર :
- જે ત્વચા પર હોય અને જે તલ અથવા મસામાં ફેરફાર દર્શાવે
- જે ત્વચાની નજીકથી શરુ થાય અને જેમાં ગાંઠ જેવું જોઈ તથા અનુભવી શકાય
- મોં, ગળું, ગર્ભાશયનું મુખ, યોનિમાર્ગ, ગુદામાર્ગ કે ગુદાના કેન્સરના પ્રારંભિક લક્ષણો માટે તપાસ કરવી પ્રમાણમાં સરળ છે.

વિવિધ ટેસ્ટનો ઉપયોગ કેન્સરની હાજરીની પુષ્ટિ કરવા અથવા તેને દૂર કરવા, કૅન્સરના વિકાસનું અવલોકન કરવા અને સારવારનીની અસરકારકતાના મૂલ્યાંકન માટે થાય છે. કેટલાક કિસ્સામાં, જો વ્યક્તિની સ્થિતિ બદલાઈ ગઈ હોય, જો એકત્રિત કરેલો નમૂનો સારી ગુણવત્તાનો ન હોય, અથવા ટેસ્ટના અસામાન્ય પરિણામની પુષ્ટિ કરવાની જરૂર હોય તો ટેસ્ટનું પુનરાવર્તન કરવું જરૂરી છે.

કેન્સરના નિદાનની પદ્ધતિઓ:
- લેબોરેટરી ટેસ્ટ
- રેડિઓલોજી ટેસ્ટ
- એન્ડોસ્કોપિક ટેસ્ટ
- જિનેટિક ટેસ્ટ
- બાયોપ્સી
કેન્સરનું અંતિમ નિદાન પેથોલોજીસ્ટના અભિપ્રાય પર આધારિત છે. વિવિધ કેન્સર વિવિધ રીતે શોધી શકાય છે. કેન્સર અથવા કેન્સર નિદાનની તપાસ હંમેશાં વિગતવાર તપાસ માંગે છે.
કેન્સરની વહેલી તપાસ
કેન્સરની વહેલી તપાસ સફળ સારવારની તકો વધારે છે. કેન્સરની વહેલી તપાસ સ્ક્રીનીંગ ટેસ્ટ દ્વારા શક્ય છે.
સ્ક્રીનીંગ ટેસ્ટનો ઉપયોગ તંદુરસ્ત વસ્તીમાં જે લોકોને કેન્સર છે, પરંતુ હજી સુધી તેના લક્ષણો દેખાતા ના હોય તેવા લોકોને ઓળખવા માટે કરવામાં આવે છે.
જેમ કે સ્તન કેન્સરનો સ્ક્રીનીંગ ટેસ્ટ મેમોગ્રાફી તથા ગર્ભાશયના મુખના કૅન્સરનો સ્ક્રીનીંગ ટેસ્ટ પેપ સ્મીયર છે.

કેન્સરનાં લક્ષણો શું છે?
કેન્સરમાં ઘણા લક્ષણો જોવા મળે છે, પરંતુ આ લક્ષણો મોટે ભાગે માંદગી, ઈજા, સાદી ગાંઠો અથવા અન્ય સમસ્યાઓ દ્વારા થાય છે. ઘણાં કેન્સરનાં લક્ષણો અન્ય બીમારીઓ જેવા હોય છે, અને આ રોગના પ્રારંભિક તબક્કે તમને કોઈ લક્ષણો ન હોય તેવું પણ બની શકે. ઘણા પ્રકારના કેન્સર ધીરે ધીરે વર્ષો સુધી વિકાસ પામે છે. આ રોગનો ફેલાવો તમારા લક્ષણોને પણ અસર કરે છે.મોટા ભાગના કિસ્સાઓમાં કેન્સર પકડી શકાય એ પહેલા વર્ષો જતા રહે છે.
જો તમને એવા લક્ષણો જોવા મળે છે કે જે થોડા અઠવાડિયા પછી પણ સરખા નથી થતા, તો તમારા ડૉક્ટરને મળો જેથી સમસ્યાઓનું નિદાન અને વહેલી તકે સારવાર કરી શકાય. મોટે ભાગે, કેન્સર દુખાવો પેદા કરતું નથી, તેથી ડોક્ટરને જોતા પહેલા દુખાવો અનુભવવા માટે રાહ જુઓ નહીં.
કેન્સર ના સામાન્ય લક્ષણો :
૧. સ્તનમાં પરિવર્તન :
- સ્તન અથવા બગલમાં ગાંઠ
- નીપલ અંદર ખેંચાઈ જવી કે પ્રવાહી નીકળવું
- સ્તનની ચામડીમાં ફેરફાર
૨. મૂત્રાશયમાં પરિવર્તન :
- પેશાબ કરવામાં મુશ્કેલી
- પેશાબ કરતી વખતે દુખાવો
- પેશાબમાં લોહી
૩. કોઈ પણ કારણ વગર લોહી નીકળવું
૪. આંતરડામાં પરિવર્તન :
- સંડાસમાં લોહી
- સંડાસની આદતમાં ફેરફાર
૫. લાંબા સમયથી ખાંસી અથવા અવાજમાં ફેરફાર
૬. ખાવાની સમસ્યાઓ :
- ખાધા પછી દુખાવો (હૃદયમાં દુખાવો અથવા અપચો, જે દૂર થતો નથી)
- ગાળવામાં મુશ્કેલી
- પેડુમાં દુખાવો
- ઉબકા અને ઉલટીભૂખમાં ફેરફાર
૭. ખુબજ થાક લાગવો
૮. કોઈ જાણીતા કારણ વિના તાવ અથવા રાત્રે પરસેવો આવવો
૯. મુખમાં પરિવર્તન :
- જીભ પર અથવા મુખમાં સફેદ અથવા લાલ ડાઘ
- હોઠ અથવા મુખમાં લોહી નીકળવું,
- દુખાવો થવો અથવા સુન્ન થઇ જવું
૧૦. ન્યુરોલોજીકલ સમસ્યાઓ
- માથાનો દુખાવો
- આંચકી
- દ્રષ્ટિમાં બદલાવ
- સાંભળવામાં ફેરફાર
૧૧. ત્વચામાં પરિવર્તન :
- ગાંઠમાથી લોહી નીકળવું કે ખંજવાળ આવવી
- તલ કે મસામાં ફેરફાર
- ન રૂઝાતું ચાંદુ કમળો
૧૨. શરીરના કોઈ પણ ભાગમાં સોજો કે ગાંઠ
૧૩. કોઈ જાણીતા કારણ વગર વજનમાં વધારો અથવા વજનમાં ઘટાડો
કેન્સરના જોખમી પરિબળો


સામાન્ય રીતે એક વ્યક્તિને કેન્સર શા માટે થાય છે અને બીજાને કેમ નથી થતું તે જાણવું શક્ય નથી.પરંતુ સંશોધનો જણાવે છે કે કેટલાક જોખમી પરિબળો વ્યક્તિનાં કેન્સર થવાની સંભાવના વધારે છે.
ઘણા આનુવંશિક અને પર્યાવરણીય પરિબળો કેન્સર થવાનું જોખમ વધારે છે. જો કે, બધા લોકો કે જેઓ આ જોખમી પરિબળોના સંપર્કમાં હોય તેમને કેન્સર થાય એ જરૂરી નથી.
૧. તમાકુ
તમાકુના ઉત્પાદનોનો ઉપયોગ કેન્સરના જોખમમાં વધારો કરવા માટેનું એકમાત્ર મહત્વપૂર્ણ પરિબળ છે. તમાકુના જોખમો મોટા પ્રમાણમાં તેમાં રહેલા નુકશાનકારક તત્વોને કારણે છે.
૨. દારૂ
દારૂનું સેવન અને કેટલાક પ્રકારનાં કેન્સર વચ્ચે સ્પષ્ટ કારણભૂત સંબંધ છે. દારૂના વધારે ઉપયોગથી જડબા, ગળુ, સ્વરપેટી, અન્નનળી, યકૃત, આંતરડા અને સ્તન કેન્સરનું જોખમ વધે છે.
૩. પારિવારિક વારસો
કેટલાક પરિવારોમાં અમુક કેન્સર થવાનું જોખમ નોંધપાત્ર રીતે વધારે હોય છે. અમુક પર્યાવરણીય પરિબળો, જે પરિવાર માટે સામાન્ય છે,આ આનુવંશિક ક્રિયાપ્રતિક્રિયાને બદલી શકે છે અને કેન્સરનું કારણ બની શકે છે.
૪. જીન અને રંગસૂત્રો
એક વધારાનું અથવા અસામાન્ય રંગસૂત્ર કેન્સરનું જોખમ વધારે છે. રસાયણો, સૂર્યપ્રકાશ, દવાઓ, વાયરસ અથવા અન્ય પર્યાવરણીય પરિબળોના નુકસાનકારક પ્રભાવો દ્વારા કેન્સર પેદા કરનાર જનીનનું પરિવર્તન થઈ શકે છે. કેટલાક પરિવારોમાં, આ અસામાન્ય કેન્સર પેદા કરતા જીન વારસામાં પ્રાપ્ત થાય છે.
૫. ચેપ
કેટલાક વાયરલ ચેપ તેમજ બેક્ટેરિયાથી થતાં ચેપ કેન્સર થવાનું જોખમ વધારી શકે છે. કેન્સરનું જોખમ પેદા કરનારા સૌથી સામાન્ય વાયરસ એચપીવી, હ્યુમન પેપિલોમા વાયરસ છે, જેમાંથી ગર્ભાશયના મુખનું કેન્સર તથા કેટલીક અન્ય બીમારીઓ થઇ શકે છે.
૬. ઉંમર
મોટાભાગના કેન્સર વૃદ્ધાવસ્થા સાથે સંકળાયેલા છે. વૃદ્ધાવસ્થામાં કોષોની ખામીને રોકવા અને સામાન્ય કરવાની કોષોની ક્ષમતા નબળી પડે છે.
૭. જાતિ
પુરુષો અને સ્ત્રીઓમાં જાતિ સંબંધિત કેન્સરનો તફાવત જોવા મળે છે (જેમ કે અંડાશયનું કેન્સર સ્ત્રીઓમાં અને પ્રોસ્ટેટ કેન્સર પુરુષોમાં)
૮. મેદસ્વિતા
મેદસ્વીપણાને ૧૩ વિવિધ પ્રકારના કેન્સર થવાના જોખમ સાથે જોડવામાં આવ્યું છે, જેમાં, આંતરડા, ગર્ભાશય, અન્નનળી,સ્વાદુપિંડ અને સ્તન કેન્સરનો સમાવેશ થાય છે.
૯.આહાર
માંસ તથા વધારે ચરબીવાળો આહાર અને મેદસ્વીપણાને કારણે આંતરડા, સ્તન અને પ્રોસ્ટેટ કેન્સર થવાનું જોખમ વધી જાય છે.
૧૦. સૂર્યપ્રકાશ
વારંવાર અને વધુ પડતા સૂર્યપ્રકાશમાં રહેવાથી ત્વચાના તથા અન્ય કેન્સર થવાનું જોખમ વધી શકે છે.


કેન્સરના પ્રકારો


કેન્સર શરીરના કોઈ પણ અંગમાં ફેલાય તો પણ તે જે અંગમાં શરુ થાય છે અને તેના કોષોના પ્રકાર મુજબ તેને નામ આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કેન્સર ફેફસામાં શરૂ થાય અને યકૃતમાં ફેલાય તો પણ તેને ફેફસાંનું કેન્સર કહેવામાં આવે છે.
કેટલાક સામાન્ય પ્રકારના કેન્સર માટે નીચે મુજબ નામ આપવામાં આવે છે :
૧. કાર્સિનોમા : જે કેન્સર અન્ય અંગોને ફરતે આવેલી ત્વચા અથવા પેશીઓમાં શરૂ થાય છે
૨. સારકોમા : હાડકાં, સ્નાયુઓ, કોમલાસ્થિ અને રક્ત વાહિનીઓ જેવી પેશીઓનું કેન્સર
૩. લ્યુકેમિયા : એ અસ્થિ મજ્જાનું કેન્સર છે, જે લોહીના કોષો બનાવે છે
૪. લિમ્ફોમા અને માયલોમા : આ રોગપ્રતિકારક શક્તિના કેન્સર છે
સૌરાષ્ટ્રમાં સ્ત્રીઓમાં સ્તનનું ને ગર્ભાશયના મુખનું કેન્સર સૌથી સામાન્ય રીતે જોવા મળે છે.
સૌરાષ્ટ્રમાં પુરુષોમાં મુખનું, ફેફસાનું અને પ્રોસ્ટેટ કેન્સર સૌથી સામાન્ય રીતે જોવા મળે છે.


કેન્સર આનુવંશિકતા
કેન્સર એ આનુવંશિક રોગ છે – એટલે કે કેન્સર જનીનોમાં થતા કેટલાક પરિવર્તનને કારણે થાય છે જે આપણા શરીરના કોષોના કાર્ય કરવાની રીતને નિયંત્રિત કરે છે, ખાસ કરીને તેઓ કેવી રીતે વધે છે અને વિભાજન કરે છે.
જીન પ્રોટીન બનાવવા માટેની સૂચનાઓનું વહન કરે છે, જે આપણા કોષોમાં મોટા ભાગનું કામ કરે છે. અમુક જનીન પરિવર્તન કોષોને સામાન્ય વૃદ્ધિ નિયંત્રણથી દૂર રાખવા અને કેન્સરનું કારણ બનવા સક્ષમ છે. ઉદાહરણ તરીકે, કેટલાક કેન્સર પેદા કરનારા જનીન પરિવર્તન પ્રોટીનના ઉત્પાદનમાં વધારો કરે છે જે કોષોને વિકસિત કરે છે. અમુક જનીન પરિવર્તન બિન-કાર્યરત પ્રોટીનનું ઉત્પાદન કરે છે, જે કોષોને થયેલ નુકસાનને સુધારે છે.
કેન્સરનું કારણ બનતા આનુવંશિક પરિવર્તન બે પ્રકારના હોય છે :
૧. જર્મલાઈન મ્યુટેશન : આ ઓછું સામાન્ય છે. જર્મલાઈન મ્યુટેશન વીર્ય કોષ અથવા ઈંડા કોષમાં થાય છે. તે માતાપિતા પાસેથી સીધા બાળકમાં પસાર થાય છે. જેમ જેમ ગર્ભ બાળકમાં વધે છે, પ્રારંભિક શુક્રાણુ અથવા ઇંડા કોષમાંથી આ પરિવર્તન શરીરના દરેક કોષમાં થાય છે. આ પરિવર્તન પ્રજનન કોષોને અસર કરે છે, તે પેઢી દર પેઢી પસાર થઇ શકે છે.
જર્મલાઈન મ્યુટેશનને લીધે થતાં કેન્સરને વારસાગત કેન્સર કહેવામાં આવે છે. તે બધા કેન્સરમાં લગભગ 5% થી 20% જેટલું છે.
સામાન્ય રીતે જોવા મળતા વારસાગત કેન્સર :
- સ્ત્રીઓમાં સ્તનનું કેન્સર
- અંડાશયનું કેન્સર
- પુરુષોમાં સ્તનનું કેન્સર
- આંતરડાનું કેન્સર
૨. એક્વાયર્ડ મ્યુટેશન : આ કેન્સરનું સૌથી સામાન્ય કારણ છે. તે વ્યક્તિના જીવન દરમિયાન કોઈ ખાસ કોષમાં જનીનોને નુકસાનથી થાય છે. ઉદાહરણ તરીકે સ્તનના કોષો અથવા આંતરડાના કોષો જે અનિયંત્રિત રોતે વિભાજન પામે છે અને ગાંઠ બનાવે છે. એક્વાયર્ડ મ્યુટેશનને કારણે થતા કૅન્સરને સ્પોરાડિક કેન્સર કહે છે. એક્વાયર્ડ મ્યુટેશન શરીરના દરેક કોષમાં જોવા મળતું નથી અને તે માતાપિતાથી બાળકમાં પસાર થતા નથી.
આ પરિવર્તન માટે જવાબદાર કારણો :
- તમાકુ
- અલ્ટ્રાવાયોલેટ (યુવી) રેડિયેશન
- વાયરસ
- ઉંમર