માથા અને ગળાના કેન્સર શું છે?
માથા અને ગળાનું કેન્સર એ કેન્સર છે જે માથા અને ગળાના વિસ્તારમાં શરૂ થાય છે. માથા અને ગળામાં ઘણા પ્રકારના કેન્સર થઈ શકે છે. દરેક પ્રકારના કેન્સર કોષોની અનિયંત્રિત વૃદ્ધિ તરીકે શરૂ થાય છે જે શરીરની સ્વસ્થ પેશીઓ પર આક્રમણ કરી તેનો નાશ કરે છે.
માથા અને ગળાના કેન્સરના પ્રકારો
માથા અને ગળાના કેન્સર આમાં વિકસી શકે :
મોઢાનું પોલાણ: હોઠ, જીભનો આગળનો બે તૃતીયાંશ ભાગ, પેઢા, ગાલ અને હોઠની અંદરની ચામડી, જીભનો નીચેનો ભાગ, સખત તાળવું અને ડહાપણ દાઢની પાછળનો પેઢાનો નાનો ભાગ.
ગળું
સ્વરપેટી
નાકનું પોલાણ અને સાયનસ
લાળ ગ્રંથીઓ

માથા અને ગળાના કેન્સર કેટલા સામાન્ય છે?
ભારતમાં, કેન્સરના કેસોની સંખ્યા વધી રહી છે. GLOBOCAN 2020 મુજબ, 2040 સુધીમાં ભારતમાં 2.1 મિલિયન નવા કેન્સરના કેસ હશે, જે 2020 કરતા 57.5% વધુ છે.
માથા અને ગળાના કેન્સરના જોખમી પરિબળો
મોઢાના કેન્સરના દર્દીઓની સંખ્યા વિશ્વમાં ભારતમાં સૌથી વધુ છે. ભારતમાં તમાકુનો વધુ પડતો ઉપયોગ આના માટે જવાબદાર છે. 80 થી 90% મોઢાના કેન્સરના દર્દીઓમાં તમાકુનો ઉપયોગ એ મુખ્ય જોખમી પરિબળ છે.
- બીડી, સિગારેટ
- તમાકુ
- સોપારી
- વધુ પડતું દારૂનું સેવન
અન્ય જોખમી પરિબળો :
- સૂર્યના કિરણો
- રેડિએશન
- એસ્બેસ્ટોસ / લાકડા / નિકલની ધૂળ શ્વાસમાં જવી
- મોઢાની અપૂરતી સ્વચ્છતા
HPV-સંબંધિત માથા અને ગળાના કેન્સર માટેના જોખમી પરિબળો :
- HPV વાયરસનું ઇન્ફેક્શન
- ગાંજાનું ધૂમ્રપાન
માથા અને ગળાના કેન્સરના લક્ષણો
સામાન્ય લક્ષણો :
- ગરદન, ચહેરા અથવા શ્વાસનળી/અન્નનળી પર ગાંઠ
- ના રુઝાતી ચાંદી
- ગળામાં દુખાવો જે દૂર થતો નથી
- ગળવામાં મુશ્કેલી
- અવાજમાં ફેરફાર/અવાજ ઘોઘરો થઇ જવો
- પેઢા, જીભ અથવા મોંની ચામડી પર સફેદ કે લાલ ધબ્બા
- જડબામાં સોજો
- મોં, ગળા અથવા નાકમાં અસામાન્ય રક્તસ્રાવ અથવા દુખાવો
- ક્રોનિક સાઇનસ ચેપ જે એન્ટિબાયોટિક સારવારનો પ્રતિસાદ આપતો નથી
- ચહેરાના સ્નાયુઓમાં નિષ્ક્રિયતા
- કાનમાં દુખાવો
આ લક્ષણો કેન્સર અથવા અન્ય સ્થિતિઓને કારણે હોઈ શકે છે. યોગ્ય નિદાન અને સારવાર મેળવવા માટે ડૉક્ટર દ્વારા તપાસ કરાવવી જરૂરી છે.
નિવારણ
માથા અને ગળાના કેન્સરને કેવી રીતે અટકાવી શકાય ?
મોટાભાગના માથા અને ગળાના કેન્સરને અટકાવી શકાય છે. તમારી જાતને બચાવવા માટે:
તમાકુ છોડી દો: તમામ પ્રકારના તમાકુ (સિગારેટ, સિગાર, પાઇપ, ચાવવાની તમાકુ) નો ઉપયોગ બંધ કરો.
દારૂ પીવાનું ઓછું કરો: દારૂનું સેવન ઓછું કરવાથી અથવા તેને બંધ કરવાથી કેન્સરનું જોખમ ઘટી શકે છે.
HPV ની રસી લો: HPV રસી HPV ના ઘણા પ્રકારો સામે રક્ષણ આપે છે, જેમાં ગળાના કેન્સરનું કારણ બનતા HPV ના પ્રકારોનો પણ સમાવેશ થાય છે.
સૂર્યપ્રકાશ સામે રક્ષણ મેળવો : જ્યારે તમે બહાર જાવ ત્યારે સનસ્ક્રીન અને રક્ષણાત્મક કપડાં પહેરવાથી ત્વચાના કેન્સરનું જોખમ ઓછું થઈ શકે છે. જોકે તે તકનીકી રીતે માથા અને ગળાનું કેન્સર નથી, ત્વચાનું કેન્સર એ સૌથી સામાન્ય કેન્સર છે જે તમારા માથા, ગરદન અને ચહેરાને અસર કરે છે.જો તમે કૅન્સરના દર્દી હોવ તો, તમાકુ અને દારૂ છોડી દેવાથી કેન્સર પાછા આવવાનું જોખમ ઘટાડી શકાય છે.