સ્થાપકનો સંદેશ

Home > સ્થાપકનો સંદેશ

મારો જન્મ ભારતમાં થયો હતો. ગુજરાતના અમદાવાદમાં બી. જે. મેડિકલ કોલેજ માંથી મેં  એમ.બી.એસ.એસ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. ત્યારબાદ યુ.સી.આઈ., કેલિફોર્નિયા, યુ.એસ.એ. માંથી મેં મેડિકલ ઓન્કોલોજી અને હિમેટોલોજીની ડિગ્રી મેળવી. ૧૯૮૧ થી ૨૦૧૮ સુધી અમેરિકાના સાન્તા મારિયામાં હિમેટોલોજી અને ઓંકોલોજીની પ્રેક્ટિસ કરી. હું પરિણીત છું અને ૨ પુત્રો સાથે યુએસએમાં વસવાટ કરું છું. ૨૦૧૮ માં નિવૃત્ત થયા પછી મારા વતન “સૌરાષ્ટ્ર” ને કઈક પાછું આપવા માગતો હતો આથી આ યાત્રાની શરૂઆત થઇ.

હાલમાં માનવજાત મુખ્ય ત્રણ તબીબી સમસ્યાઓનો સામનો કરી રહી છે જેમાં હૃદયરોગ, ડાયાબીટિસ અને કેન્સરનો સમાવેશ થાય છે. પરંતુ આપણે જે રીતે જઈ રહ્યા છીએ તે જોતા એવું અનુમાન છે કે આવતા એક દાયકામાં કેન્સર એ હૃદયરોગ અને ડાયાબીટિસ બંનેને વટાવી પ્રથમ નંબરની મેડિકલ સમસ્યા બની રહેશે.

bhanji.png

છેલ્લાં ૨૦ વર્ષથી હું દર વર્ષે ભારતની મુલાકાત લેતો હતો, પરંતુ છેલ્લા થોડા સમયથી દર ૩ મહિને મુલાકાત લેવાનો પ્રયત્ન કરું છું અને એ જાણીને મારુ હૃદય તૂટી જતું જયારે મને યુવાનોને થતા અસાધ્ય કેન્સર અને અકાળે થતા મૃત્યુની જાણ થતી. તેમની સાથે વાતચીતથી જ્યારે મને ખ્યાલ આવ્યો કે તેમને તમાકુના દુષ્પ્રભાવો વિશે કોઈએ ક્યારેય સમજાવ્યું નથી, ત્યારે મને એક સમાજ તરીકે ખ્યાલ આપ્યો કે આપણે કેટલા અજાણ અને બેજવાબદાર છીએ. જ્યારે હું નાની છોકરીઓ સાથે વાત કરું છું ત્યારે મને લાગે છે કે તેમની પાસે શારીરિક સ્વચ્છતા અને ગર્ભાશયના મુખના કેન્સરના સંબંધ વિશેના જ્ઞાનનો અભાવ છે તથા સ્ત્રીઓને સ્તનની જાત તપાસના મહત્વ વિશે શીખવવામાં આવતું નથી. જ્યારે હું પશ્ચિમના દેશોમાં ઉપચારનો ઊંચો દર જોઉ છું, ત્યારે ભારત જેવા વિકાસશીલ દેશોમાં કૅન્સરનું પૂર્વસૂચન કેટલું નિરાશાજનક છે તે જોઈને હું દંગ રહી ગયો.

તેથી જ્યારે હું ૨૦૧૮ માં યુએસએમાં નિવૃત્ત થયો ત્યારે મેં ગુજરાતમાં ઘણાં કૅન્સરના નિષ્ણાંત,  દાંતના ડૉક્ટર અને સ્ત્રી રોગના ડૉક્ટર સાથે મારા વિચારોની ચર્ચા કરી. બધી વાતચીતમાં જાણવા મળ્યું કે કેન્સર વિષેની માહિતી અને તેનું મહત્વ જ જાગૃતિ લાવવાનો એકમાત્ર રસ્તો છે અને લાગ્યું કે જો હું કેન્સર નિવારણના વ્યાપક કાર્યક્રમ દ્વારા તમામ મુદ્દાઓને આગળ વધારવા માટે પ્લેટફોર્મ આપી શકું તો સારી શરૂઆત થશે. જનજાગૃતિના કાર્યક્રમમાં અનુભવ ઓછો હોવાથી મને થોડા અંશે ડર લાગ્યો પણ મને જીવનના વિવિધ ક્ષેત્રે આટલો પ્રતિસાદ અને ટેકો મલતા મને આનંદ થયો અને હવે ભવિષ્યની સંભાવનાઓ વિશે આત્મવિશ્વાસ અનુભવું છું. રાજકોટ કેન્સર સોસાયટીના ટ્રસ્ટીઓ સાથે વિચારો મલતા સંવાદ આગળ વધ્યો. આથી જાન્યુઆરી ૨૦૧૯ માં કુંડારિયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશનની રચના રાજકોટ કેન્સર સોસાયટીના વિભાગ તરીકે થઇ.

લક્ષ્ય માટે સમર્પિત ટીમ શોધી શક્યો એ મોટી સફળતા છે અને હવે અમે પાછળ નજર નથી કરી રહ્યા. અમે એ પણ જાણીએ છીએ કે બહાર જઈ અને લોકોને કોઈ સિદ્ધિ વિશે જણાવી શકીએ તે પહેલાં અમારે ઘણા લાંબા રસ્તાઓ સર કરવાના છે.

તમારા બધાના સહકાર સાથે મને ખાતરી છે કે કેન્સરની જાગૃતિ અને શિક્ષણ ફેલાવીને આપણે કેન્સરને હરાવી શકીશું.​

તેથી જાગૃતિ અને શિક્ષણ ફેલાવવામાં સહાય માટે આ યાત્રામાં મારી સાથે જોડાઓ.​

ડો. ભાણજી કુંડારીયા 
સ્થાપક
કુંડારિયા કેન્સર પ્રેવેનશન ફાઉન્ડેશન
ડિવિઝન ઓફ રાજકોટ કેન્સર સોસાયટી