કેન્સરના જોખમી પરિબળો

Home > કેન્સરના જોખમી પરિબળો

સામાન્ય રીતે એક વ્યક્તિને કેન્સર શા માટે થાય છે અને બીજાને કેમ નથી થતું તે જાણવું શક્ય નથી.પરંતુ સંશોધનો જણાવે છે કે કેટલાક જોખમી પરિબળો વ્યક્તિનાં કેન્સર થવાની સંભાવના વધારે છે.


ઘણા આનુવંશિક અને પર્યાવરણીય પરિબળો કેન્સર થવાનું જોખમ વધારે છે. જો કે, બધા લોકો કે જેઓ આ જોખમી પરિબળોના સંપર્કમાં હોય તેમને કેન્સર થાય એ જરૂરી નથી. 

૧. તમાકુ 

તમાકુના ઉત્પાદનોનો ઉપયોગ કેન્સરના જોખમમાં વધારો કરવા માટેનું એકમાત્ર મહત્વપૂર્ણ પરિબળ છે. તમાકુના જોખમો મોટા પ્રમાણમાં તેમાં રહેલા નુકશાનકારક તત્વોને કારણે છે.

૨. દારૂ

દારૂનું સેવન અને કેટલાક પ્રકારનાં કેન્સર વચ્ચે સ્પષ્ટ કારણભૂત સંબંધ છે. દારૂના વધારે ઉપયોગથી જડબા, ગળુ, સ્વરપેટી, અન્નનળી, યકૃત, આંતરડા અને સ્તન કેન્સરનું જોખમ વધે છે. 

૩. પારિવારિક વારસો 

કેટલાક પરિવારોમાં અમુક કેન્સર થવાનું જોખમ નોંધપાત્ર રીતે વધારે હોય છે. અમુક પર્યાવરણીય પરિબળો, જે પરિવાર માટે સામાન્ય છે,આ આનુવંશિક ક્રિયાપ્રતિક્રિયાને બદલી શકે છે અને કેન્સરનું કારણ બની શકે છે.


૪. જીન અને રંગસૂત્રો

એક વધારાનું અથવા અસામાન્ય રંગસૂત્ર કેન્સરનું જોખમ વધારે છે. રસાયણો, સૂર્યપ્રકાશ, દવાઓ, વાયરસ અથવા અન્ય પર્યાવરણીય પરિબળોના નુકસાનકારક પ્રભાવો દ્વારા કેન્સર પેદા કરનાર જનીનનું પરિવર્તન થઈ શકે છે. કેટલાક પરિવારોમાં, આ અસામાન્ય કેન્સર પેદા કરતા જીન વારસામાં પ્રાપ્ત થાય છે. 

૫. ચેપ


કેટલાક વાયરલ ચેપ તેમજ બેક્ટેરિયાથી થતાં ચેપ કેન્સર થવાનું જોખમ વધારી શકે છે. કેન્સરનું જોખમ પેદા કરનારા સૌથી સામાન્ય વાયરસ એચપીવી, હ્યુમન પેપિલોમા વાયરસ  છે, જેમાંથી ગર્ભાશયના મુખનું કેન્સર તથા કેટલીક અન્ય બીમારીઓ થઇ શકે છે. 

૬. ઉંમર

મોટાભાગના કેન્સર વૃદ્ધાવસ્થા સાથે સંકળાયેલા છે. વૃદ્ધાવસ્થામાં કોષોની ખામીને રોકવા અને સામાન્ય કરવાની કોષોની ક્ષમતા નબળી પડે છે. 

૭. જાતિ 

પુરુષો અને સ્ત્રીઓમાં જાતિ સંબંધિત કેન્સરનો તફાવત જોવા મળે છે  (જેમ કે અંડાશયનું કેન્સર સ્ત્રીઓમાં અને પ્રોસ્ટેટ કેન્સર પુરુષોમાં) 

૮. મેદસ્વિતા

મેદસ્વીપણાને ૧૩ વિવિધ પ્રકારના કેન્સર થવાના જોખમ સાથે જોડવામાં આવ્યું છે, જેમાં, આંતરડા, ગર્ભાશય, અન્નનળી,સ્વાદુપિંડ અને સ્તન કેન્સરનો સમાવેશ થાય છે.


૯.આહાર

માંસ તથા વધારે ચરબીવાળો આહાર અને મેદસ્વીપણાને કારણે આંતરડા, સ્તન અને પ્રોસ્ટેટ કેન્સર થવાનું જોખમ વધી જાય છે. 
 

૧૦. સૂર્યપ્રકાશ

વારંવાર અને વધુ પડતા સૂર્યપ્રકાશમાં રહેવાથી ત્વચાના તથા અન્ય કેન્સર થવાનું જોખમ વધી શકે છે.