



કેન્સરમાં બે પ્રકારના પરિબળો ભાગ ભજવે છે.એક કે જે આપણા નિયંત્રણમાં નથી (કેન્સરના <5% કેસ) અને બીજું જે ચોક્કસપણે આપણા નિયંત્રણમાં છે.
કેન્સર થવાનું જોખમ ઓછું કરવા માટે સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. આમાં તંદુરસ્ત જીવનશૈલી જાળવવી, કેન્સર પેદા કરતા જાણીતા પદાર્થોના સંપર્કમાં આવવાનું ટાળવું અને કેન્સરને વિકસિત થવાથી રોકી શકે તેવી દવાઓ અથવા રસીઓનો સમાવેશ થાય છે.
કેન્સરને થતું રોકવા માટે નીચે મુજબ સાવચેતી રાખવી જોઈએ :
૧. તંબાકુનો ઉપયોગ કરવો નહિ
સૌરાષ્ટ્રમાં ઘણા મોટા પ્રમાણમાં લોકો ( ૮૦ % થી વધારે લોકો) તમાકુ (પાન, ગુટકા, બીડી, સિગારેટ) દ્વારા થતાં કેન્સરનો ભોગ બને છે.તમાકુના ઉત્પાદનોનો ઉપયોગ ઘણા પ્રકારના કેન્સર સાથે જોડાયેલો છે, જેમાં ફેફસાં, આંતરડા, સ્તન, ગળા, ગર્ભાશયનું મુખ, મૂત્રાશય, મુખ અને અન્નનળીનો સમાવેશ થાય છે. તમ્બાકુ છોડી દેવામાં ક્યારેય મોડું નથી થયું.લગભગ 90 ટકા ફેફસાના કેન્સર ધૂમ્રપાનથી થાય છે.ધૂમ્રપાન ન કરનારાઓ કે જેઓ પરોક્ષ ધુમ્રપાનના સંપર્કમાં આવે છે તેમને પણ ફેફસાનું કેન્સર તથા શ્વસન તંત્રની બીમારી થવાની શક્યતા રહેલી છે.
૨. નિયમિત કસરત કરવી તથા વજન સપ્રમાણ જાળવી રાખવું
નિષ્ક્રિયતા અને મેદસ્વીપણું સ્તન, આંતરડા, ફેફસા અને સ્વાદુપિંડના કેન્સર સાથે સંકળાયેલું હોવાના કેટલાક પુરાવા છે. દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટની શારીરિક પ્રવૃત્તિ માનસિક તણાવ ઘટાડીને, ઉર્જામાં વધારો કરીને, રોગપ્રતિકારક શક્તિને વધારીને તથા વજન નિયંત્રિત રાખીને કેન્સરનું જોખમ ઘટાડે છે જે સામાન્ય સ્વાસ્થ્ય અને સુખાકારીમાં મોટો તફાવત લાવી શકે છે. મેદસ્વીતાને કારણે અનેક કેન્સર થવાનું જોખમ વધી જાય છે.
૩. આરોગ્યપ્રદ આહાર લો
ખોરાકમાં ફળો, શાકભાજી, કઠોળ અને આખા અનાજનો ઉપયોગ વધારે કરો.ફળો અને શાકભાજીમાં કેન્સર સામે લડતા પોષક તત્વો ભરપુર પ્રમાણમાં હોય છે.કોઈ એક ખોરાક કેન્સરથી બચાવી શકતો નથી, પરંતુ ખોરાકનું યોગ્ય મિશ્રણ કેન્સર સામે રક્ષણ આપવામાં મદદ કરી શકે છે.વિવિધ પ્રકારના શાકભાજી ખાઓ.દારૂના વપરાશને મર્યાદિત કરવાનું પણ મહત્વનું છે કારણ કે દારૂ યકૃત, આંતરડા અને સ્તન કેન્સર માટેનું જોખમ વધારે છે.
૪. સૂર્ય પ્રકાશથી તમારી ચામડીને રક્ષણ આપો
ચામડીનું કેન્સરએ સૌથી સામાન્ય રીતે જોવા મળતું અને થતું અટકાવી શકાય તેવું કેન્સર છે.અમેરિકામાં દર વર્ષે અંદાજે ૩૫,૦૦,૦૦૦ ચામડીના કૅન્સરના કેસ નોંધાય છે.સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોના સંપર્ક મોટાભાગના ચામડીના કેન્સરનું કારણ છે.સૂર્યપ્રકાશથી બચવા પૂરતા રક્ષણનો ઉપયોગ કરવો જોઈએ.
૫. શારીરિક સંબંધ સુરક્ષિત રાખવો અને જોખમી વર્તણુકથી દૂર રહેવું
હ્યુમન પેપિલોમા વાયરસની,જેને એચપીવી પણ કહેવામાં આવે છે, તેના ઘણા પ્રકારો,યોનિ, ગુદા અને મૌખિક સંબંધ દરમિયાન ત્વચાથી ત્વચાના સંપર્ક દ્વારા ફેલાય છે.એચપીવીના વધારે જોખમી પ્રકારથી ઘણા પ્રકારના કેન્સર, ખાસ કરીને ગર્ભાશયના મુખનું કેન્સર થવાનું જોખમ વધે છે. અસુરક્ષિત જાતિય સંબંધ દ્વારા હિપેટાઇટિસ બી વાયરસ(એચબીવી) પણ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાય છે.તે લાંબા ગાળાના લિવર ઇન્ફેક્શનનું કારણ બની શકે છે જે વ્યક્તિને લીવર કેન્સર થવાની સંભાવના વધારે છે.
૬. રસી અપાવવી (એચપીવી અને એચપીવીની રસી)
અમુક વાયરસ કેન્સર સાથે સંકળાયેલા છે, પરંતુ રસીકરણ દ્વારા તેને રોકી શકાય છે., જેમ કે એચપીવી રસી. તમારા ડૉક્ટર સાથે એચપીવી રસી માટે વાત કરો. કેટલાક કેન્સર હિપેટાઇટિસ બી વાયરસ (એચબીવી) અને હિપેટાઇટિસ સી વાયરસ (એચસીવી) સાથે સંકળાયેલા છે, તેથી a) મોટા બાળકો, જેમને પહેલા રસી આપવામાં આવી નથી તેમજ b) જે પુખ્તવયના લોકોને એચબીવી નું જોખમ છે તેમને એચબીવી રસીકરણની ભલામણ કરવામાં આવે છે.
૭. તમારા પરિવારનો તબીબી ઇતિહાસ જાણો અને નિયમિત કેન્સરની સ્ક્રીનીંગ તપાસ કરાવો
કેન્સરની તપાસ વિશે તમારા ફેમિલી ડૉક્ટર સાથે વાત કરો. કેટલીક તપાસ કેન્સરને વહેલા શોધી કાઢવામાં મદદ કરી શકે છે, જેમાં સારવારમાં સફળ થવાની સંભાવના વધારે હોય છે, અને કેટલીક તપાસ કેન્સર બનતા પહેલાની અનિશ્ચિત પરિસ્થિતિઓ શોધી શકે છે. વહેલી તપાસ જીવન બચાવવા માટે સફળ થઈ છે, ત્યારે તપાસની માર્ગદર્શિકા હંમેશાં દરેક વ્યક્તિ માટે સરખી હોતી નથી.



સ્ક્રીનીંગ ટેસ્ટ અને વહેલું નિદાન



સ્ક્રીનીંગ ટેસ્ટ તંદુરસ્ત તથા કેન્સરના લક્ષણો વિનાના લોકોમાં કેન્સરની તપાસ માટે કરવામાં આવે છે. સ્ક્રિનિંગ ટેસ્ટ કેન્સરને પ્રારંભિક તબક્કે, જ્યારે તેઓ વધુ સારવાર માટે યોગ્ય હોય ત્યારે પકડવા માટે રચાયેલ છે. સ્ક્રિનિંગ ટેસ્ટ અમુક કેન્સરનો મૃત્યુ દર ઘટાડવામાં સફળ થયા છે.
અસરકારક સ્ક્રીનીંગ ટેસ્ટ :
- કૅન્સરને વહેલું શોધે છે
- નિયમિત તપાસ કરાવતા લોકો કેન્સરથી મરી જાય તેની સંભાવના ઓછી કરે છે
- નુકસાન કરતાં વધુ ફાયદાકારક હોય
કૅન્સરના મૃત્યુદરને ઘટાડતા કેટલાક સામાન્ય સ્ક્રીનીંગ ટેસ્ટ :
૧. મેમોગ્રાફી :
મેમોગ્રામ એ સ્તન કેન્સરને વહેલી તકે શોધવાની શ્રેષ્ઠ રીત છે, જેથી તેની સારવાર કરવી સરળ બને છે.
૨. પેપ સ્મીયર ટેસ્ટ :
પેપ ટેસ્ટ ગર્ભાશયના મુખમાં અસામાન્ય કોષો જે કેન્સરમાં પરિવર્તિત થઇ શકે છે તેને શોધી શકે છે. એચપીવી ટેસ્ટ વાયરસ (હ્યુમન પેપીલોમા વાઇરસ) ની શોધ કરે છે જે આ કોષમાં પરિવર્તન લાવી શકે છે. પેપ ટેસ્ટ ગર્ભાશયના મુખના કેન્સરને શરૂઆતના તબક્કામાં, જ્યારે ઇલાજ થવાની સંભાવના ઘણી વધારે હોય છે ત્યારે શોધી શકે છે.
૩. કોલોનોસ્કોપી :
આંતરડાના કેન્સર હંમેશા આંતરડા અથવા ગુદામાર્ગમાં પોલિપ્સ (અસામાન્ય કોષ વૃદ્ધિ) થી વિકસે છે. સ્ક્રીનીંગ ટેસ્ટ આવા પોલિપ્સ શોધી શકે છે, જેથી તેઓ કેન્સરમાં પરિવર્તિત થાય તે પહેલાં તેને દૂર કરી શકાય.
૪. લો ડોઝ સી.ટી.સ્કેન :
જે લોકો ધુમ્રપાન (બીડી/સિગારેટ) નો ઇતિહાસ ધરાવતા હોય અથવા અત્યારે ધુમ્રપાન કરતા હોય અથવા છેલ્લા ૧૫ વર્ષમાં ધુમ્રપાન કરવાનું બંધ કરી દીધું હોય અથવા ૫૫ થી ૮૦ વર્ષની વચ્ચે હોય તેમને ફેફસાના કૅન્સરની વહેલી તપાસ માટે લો ડોઝ સી.ટી. સ્કેન કરવાની ભલામણ કરવામાં આવે છે.
૫. પી.એસ.એ ટેસ્ટ :
આ બ્લડ ટેસ્ટ ઘણીવાર ડિજિટલ રેક્ટલ એક્ષામીનેશન સાથે પ્રોસ્ટેટ કેન્સરની વહેલી તપાસ માટે કરવામાં આવે છે.